એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આજે 14 જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે બપોરના એક વાગ્યા સુધી 17 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.


આ 17 જિલ્લામાં એક વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક એટલે કે બપોરના એક વાગ્યા સુધી દેવભૂમી દ્વારકા, પોરબંદર, સુરત, નવસારી, ડાંગ, તાપી, વલસાડ, સાબરકાંઠા, દાહોદ, અરવલ્લી, મહીસાગર, ભાવનગર, અમરેલી, બનાસકાંઠા, ગીર સોમનાથ, જૂનાગઢ, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે રાજકોટ પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, વડોદરા, આણંદ, છોટા ઉદેપુર, નર્મદા અને ભરુચમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

છેલ્લા 24 કલાકમાં 201 તાલુકાઓમાં વરસાદ છેલ્લા 24 કલાકમાં એટલે કે શુક્રવારે સવારે 6 વાગ્યાથી શનિવારે સવારે 6 વાગ્યા સુધી મેઘરાજાએ રાજ્યના 201 તાલુકાઓમાં સટાસટી બોલાવી છે. જેમાં સૌથી વધુ સુરતના પલસાણામાં 3.7, બનાસકાંઠાના કાંકરેજમાં 3.5 અને સુરેન્દ્રનગરના લખતરમાં 30.3 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે સવાર 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી મેઘરાજાએ રાજ્યના 64 તાલુકાઓમાં હાજરી પુરાવી છે. જેમાં સૌથી વધુ દ્વારકામાં 4 અને પોરબંદરમાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.

આજે 14 જિલ્લામાં ઓરેન્જ-યલો એલર્ટ આજે એટલે કે 5 જુલાઈના રોજ સાબરકાંઠા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. જ્યારે અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પંચમહાલ, મહિસાગર, દાહોદ, મહેસાણા અને બનાસકાંઠામાં યલો એલર્ટ અપાયું છે.

રાજ્યમાં જૂન મહિનામાં 110 મિમીની જરૂરિયાત સામે 288 મિમી વરસાદ સામાન્ય રીતે ગુજરાતમાં જૂન મહિનામાં સરેરાશ 110.8 મિમી (4.43 ઇંચ) વરસાદની જરૂરિયાત હોય છે. એની સામે 288.7 મિમી (11.55 ઇંચ) વરસાદ મળ્યો છે. જરૂરિયાત કરતાં 161% વધુ વરસાદે 44 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. 125 વર્ષના ઇતિહાસમાં જૂન મહિનામાં સૌથી વધુ 298.3 મિમી (11.93 ઇંચ) વરસાદ 1980 માં નોંધાયો હતો, એટલે કે આ વખતે 44 વર્ષ બાદ સૌથી વધુ વરસાદ સાથે 125 વર્ષનો બીજો સૌથી વધુ વરસાદનો રેકોર્ડ બન્યો છે. 2024માં જૂનમાં રાજ્યમાં મેઘરાજાની 9 દિવસની હાજરી સામે ચાલુ સિઝનમાં જૂનના 16 દિવસની હાજરી આપી છે. રાજ્યના 5 ઝોનમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 19 દિવસ અને કચ્છમાં સૌથી ઓછા 8 દિવસ મેઘરાજા વરસ્યા છે. ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે જે દિવસે 2.5 મિમી કે તેથી વધુ વરસાદ વરસે એને વરસાદનો 1 દિવસ ગણવામાં આવે છે.