રશિયા-યુક્રેન અને ઈઝરાયેલ-પેલેસ્ટાઈન વચ્ચેનું યુદ્ધ શાંત નથી થયું ત્યાં જગત એક નવા યુદ્ધનું સાક્ષી બની રહ્યું છે. દક્ષિણ-પૂર્વી એશિયાના બે પડોશી દેશ કંબોડિયા અને થાઈલેન્ડે એકબીજા પર હુમલો કર્યો છે. ફક્ત ગોળીબારના છમકલાં નહીં, લશ્કરી ઠેકાણાં પર હવાઈ હુમલા કરાયા છે, જે આ સંઘર્ષની ગંભીરતા દર્શાવે છે.
કંબોડિયા અને થાઈલેન્ડ વચ્ચે છેડાયેલી લડાઈ માટે બંને દેશો એકબીજા પર દોષારોપણ કરી રહ્યા છે. થાઈલેન્ડની સેનાએ કહ્યું છે કે, પહેલો હુમલો કંબોડિયા તરફથી થયો હતો. જ્યારે કંબોડિયાનું એવું કહેવું છે કે થાઈલેન્ડે પહેલો હુમલો કર્યો હતો. અમે તો ફક્ત સ્વરક્ષણ માટે વળતો હુમલો કર્યો હતો. બીજી તરફ, થાઈ સૈન્યે ગુરુવારે કંબોડિયાના લશ્કરી થાણાં પર હવાઈ હુમલા કર્યા હતા. કંબોડિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે થાઈલેન્ડના વિમાનોએ ઐતિહાસિક પ્રેહ વિહાર મંદિર નજીક બોમ્બ ફેંક્યા હતા.
બંને દેશ વચ્ચેની લડાઈમાં ઓછામાં ઓછા 9 નાગરિકોના મોત થયા હતા અને 14 લોકોને ઈજા થઈ છે. સૌથી વધુ જાનહાનિ થાઈલેન્ડના ‘સી સા કેટ’ પ્રાંતમાં થઈ છે, જ્યાં છ લોકો માર્યા ગયા હતા. હવાઈ હુમલા શરૂ થયા એના થોડા કલાકો પહેલા બંને દેશે એકબીજા સાથેના રાજદ્વારી સંબંધો પર પણ રોક લગાવી દીધી હતી. બંને દેશ વચ્ચે સરહદ પર છ વિસ્તારોમાં અથડામણ ચાલુ છે.
કંબોડિયા અને થાઈલેન્ડ વચ્ચે લડાઈનું કારણ સરહદનો વિવાદ છે. બંને દેશ વચ્ચે 817 કિલોમીટરની જમીની સરહદ છે. 1863થી 1953 સુધી કંબોડિયા પર શાસન કરનાર ફ્રાન્સ દ્વારા 1907માં આ જમીન સરહદનો નકશો બનાવાયો હતો, જેને લીધે 11મી સદીમાં બંધાયેલું ‘પ્રેહ વિહાર મંદિર’ કંબોડિયાની હદમાં જતું રહ્યું હતું. મંદિરને કારણે થાઈલેન્ડે આ નકશાનો ઉગ્ર વિરોધ કર્યો હતો. આ વિવાદ વધી જતાં 1962 માં ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ દ્વારા નકશાનું સમર્થન કરાયું હતું. નોંધનીય છે કે, પ્રેહ વિહાર મંદિર ભગવાન શિવને સમર્પિત છે.
વર્ષ 2008માં કંબોડિયાએ પ્રેહ વિહાર મંદિરને યુનેસ્કો દ્વારા વિશ્વ વારસાનો દરજ્જો આપવાની માંગ કરી ત્યારે પણ થાઈલેન્ડ ભડક્યું હતું. જુલાઈ 2008 માં મંદિરને યુનેસ્કોની માન્યતા મળી, એ પછી સરહદી વિસ્તારમાં કંબોડિયન અને થાઈ સૈનિકો વચ્ચે અથડામણો શરૂ થઈ હતી, જે વર્ષો સુધી ચાલુ રહી અને 2011માં ચરમસીમાએ પહોંચી.
વર્ષ 2011માં સંઘર્ષ ચરમસીમાએ પહોંચ્યો, જેના કારણે 36,000 લોકો વિસ્થાપિત થયા હતા. કંબોડિયા ફરીથી 1962ના નિર્ણયને બહાલી આપવા માટે ફરી એકવાર ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં ગયું હતું. કોર્ટે બે વર્ષ પછી તેના અગાઉના નિર્ણયને ફરીથી સમર્થન આપ્યું હતું. આ નિર્ણયને થાઈલેન્ડ આજે પણ સ્વીકારી શક્યું નથી. પરિણામે બંને દેશ વચ્ચે નાની-મોટી અથડામણ થયા કરતી હતી, જે હવે હવાઈ હુમલા સુધી પહોંચી ગઈ છે.
24 જુલાઈ, ગુરુવારે સવારે થયેલી અથડામણના કલાકો પહેલા કંબોડિયાએ જાહેરાત કરી હતી કે, તે થાઈલેન્ડ સાથેના રાજદ્વારી સંબંધોને ‘સૌથી નીચા સ્તરે’ લઈ જઈ રહ્યું છે. કંબોડિયાએ થાઈલેન્ડમાંથી તેના એક સિવાયના બધા રાજદ્વારીઓને પાછા બોલાવવાની પણ જાહેરાત કરી છે, તો કંબોડિયાએ થાઈ રાજદ્વારીઓને હાંકી કાઢ્યા છે. કંબોડિયાએ થાઈલેન્ડમાંથી અમુક ચીજોની આયાત પણ અટકાવી દીધી છે.
થાઈ સૈન્યના જણાવ્યા અનુસાર ગુરુવારે સવારે 7:35 વાગ્યે થાઈલેન્ડના સુરીન પ્રાંત નજીક તા મુએન મંદિરની રક્ષા કરી રહેલા થાઈ સૈનિકોના એક યુનિટે કંબોડિયન ડ્રોનનો અવાજ સાંભળ્યો હતો. આ ઉપરાંત છ સશસ્ત્ર કંબોડિયન સૈનિકો થાઈલેન્ડ ચોકીની સામે કાંટાળા તારની વાડ પાસે પહોંચ્યા હતા. થાઈ સૈનિકોએ તેમને ચેતવણી આપવા બૂમ પાડી હતી, પરંતુ એને કાને ન ધરતા કંબોડિયન સૈનિકોએ સવારે 8:20 વાગ્યે મંદિરની પૂર્વ બાજુ તરફ ગોળીબાર કર્યો હતો.
થાઈ લશ્કરે કહ્યું હતું કે, કંબોડિયાએ વિવાદિત સરહદી વિસ્તારમાં નવી લેન્ડમાઈન બિછાવી છે, જેને લીધે લશ્કરી પેટ્રોલિંગ કરતી વખતે પાંચ થાઈ સૈનિકો ઘાયલ થયા હતા. કંબોડિયાએ લેન્ડમાઈન બિછાવી હોવાનો દાવો નકારી કાઢ્યો હતો. પરિણામે થાઈ સૈન્યએ કંબોડિયાના જમીની લશ્કરી થાણાં પર હવાઈ હુમલા કરી દીધા હતા.
ભારતથી 4500 કિ.મી. દૂર મહાદેવના મંદિર માટે બે દેશ વચ્ચે યુદ્ધ, 118 વર્ષ જૂનો છે વિવાદ
By Himanshu Ramani (Idar)
Kapil Patel