જો તમને RTO ઈ-ચલણની કોઈ APK ફાઈલ મળે તો તેને ઓપન કરતા પહેલા સો વખત વિચારજો! સાયબર ફ્રોડ કરનારાઓ દ્વારા છેતરપિંડીનો નવી રસ્તો અપનાવવામાં આવી રહ્યો છે. જેમાં ફેક APK ફાઈલો દ્વારા લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. છેલ્લા એક જ મહિનામાં આવા કૌભાંડનો ભોગ બનીને 100 થી વધુ લોકો રૂપિયા 1 કરોડથી વધુની રકમ ગુમાવી ચૂક્યા છે. સાયબર ક્રાઈમે આવા ફેક APK ફાઈલો ન ખોલવા માટે લોકોને અપીલ કરી છે.
શું છે આ નવો મોડસ ઓપરેન્ડી?
ઠગાઈ કરનારાઓ હવે લોકોને RTO ઈ-ચલણ અથવા અન્ય સરકારી સેવાઓ સંબંધિત નકલી APK ફાઈલો મોકલી રહ્યા છે. આ ફાઈલો ડાઉનલોડ કરીને ખોલતાની સાથે જ તમારા મોબાઈલ ફોનનો કંટ્રોલ સાયબર ગુનેગારોના હાથમાં જતો રહે છે. આ પછી તેઓ તમારા બેંક ખાતામાંથી, ઓનલાઈન પેમેન્ટ એપ્સમાંથી અથવા અન્ય રીતે પૈસા ઉપાડી લે છે. ઘણા કિસ્સાઓમાં, લોકોને ખબર પણ નથી પડતી કે તેમની સાથે છેતરપિંડી થઈ રહી છે, કારણ કે આ ફાઈલો બિલકુલ અસલી દેખાતી એપ્સ જેવી જ હોય છે.
સાયબર ક્રાઈમની ચેતવણી અને અપીલ
સાયબર ક્રાઈમે લોકોને ચેતવણી આપી છે કે, કોઈ પણ અજાણ્યા સ્ત્રોતમાંથી આવતી APK ફાઈલોને ડાઉનલોડ કે ઇન્સ્ટોલ ન કરવી. ખાસ કરીને, RTO, બેંક કે કોઈપણ સરકારી વિભાગના નામે આવતી શંકાસ્પદ લિંક્સ અને ફાઈલોથી સાવધાન રહેવું. જો તમને કોઈ ચલણ ભરવાનું હોય, તો હંમેશા RTO ની સત્તાવાર વેબસાઇટ અથવા સરકારી એપ્લિકેશનનો જ ઉપયોગ કરો. કોઈપણ લાલચ કે ડર બતાવીને મોકલાતી લિંક્સ પર ક્લિક ન કરવા અને અજાણી APK ફાઇલોથી દૂર રહેવા સાયબર ક્રાઈમે લોકોને ભારપૂર્વક અપીલ કરી છે. જો તમે આવી કોઈ છેતરપિંડીનો ભોગ બનો છો, તો તાત્કાલિક સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર સંપર્ક કરો અથવા www.cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવો.
APK ફાઇલ ખોલતા પહેલા ચેતી જજો! ઈ-ચલણના નામે સાયબર ફ્રોડનો નવો ટ્રેન્ડ
By Himanshu Ramani (Idar)
Kapil Patel