બેંગ્લુરુ નાસભાગ કેસ મામલે કર્ણાટર સરકારે આરસીબી અને કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશન વિરુદ્ધ ક્રિમિનલ કેસ દાખલ કરવાની મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય મંત્રી મંડળની બેઠકમાં લેવાયો. બેઠકમાં જસ્ટિસ માઇકલ ડી કુન્હા આયોગનો રિપોર્ટ સ્વીકાર કર્યા બાદ આ નિર્ણય લેવાયો. આ રિપોર્ટમાં અનેક ગેરરીતિનો ખુલાસો કરવામાં આવ્યો છે. જેના આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

શું હતુ રિપોર્ટમાં ?

ન્યાયાધીશ માઈકલ ડી'કુન્હાની અધ્યક્ષતામાં રચાયેલા કમિશને RCB અને KSCA સંબંધિત વિવિધ મુદ્દાઓની સંપૂર્ણ તપાસ કરી હતી. આ તપાસમાં નાણાકીય અનિયમિતતાઓ, સંચાલનમાં પારદર્શિતાનો અભાવ અને અન્ય ગંભીર ઉલ્લંઘન કર્યુ હોવાના પુરાવા બહાર આવ્યા હતા. કમિશનના રિપોર્ટમાં આ સંગઠનો દ્વારા નિયમોના ઉલ્લંઘન અને શંકાસ્પદ પ્રવૃત્તિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને કેબિનેટે ગંભીરતાથી લીધો હતો.

રિપોર્ટમાં વિરાટ કોહલીનું પણ નામ !

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 4 જૂનની આખી ઘટનામાં વિરાટ કોહલીનું પણ નામ સામે આવ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિરાટએ એક વીડિયોમાં ફેન્સને ફ્રીમાં વિક્ટરી પરેડમાં આવવાની અપીલ કરી હતી,.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઇવેન્ટ આયોજક દ્વારા 3 જૂને પોલીસને જાણ કરવામાં આવી હતી, પરંતુ 2009ના આદેશ મુજબ જરૂરી પરવાનગી લીધી ન હતી. આ કારણોસર પોલીસે ઇવેન્ટ માટે પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ આરસીબી દ્વારા 4 જૂનના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ કાર્યક્રમનો જાહેરમાં પ્રચાર કરાયો હતો.

વિક્ટરી પરેડમાં હતી ભારે ભીડ

વિરાટ કોહલીએ એક વીડિયો શેર કર્યો હતો અને ચાહકોને મફત પ્રવેશ તરીકે વિજય પરેડમાં આવવાની અપીલ કરી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ઇવેન્ટમાં અપેક્ષા કરતાં વધુ ભીડ પહોંચી હતી, જેના કારણે સિસ્ટમ સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ હતી. પરિણામે નાસભાગ મચી ગઈ હતી. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ત્રણ લાખથી વધુ લોકોની ભીડ કાર્યક્રમમાં પહોંચી હતી.


ભાગદોડમાં 11 લોકોના મોત, અનેક ઘાયલ

આ અકસ્માત ત્યારે થયો હતો જ્યારે હજારો લોકો RCBના 18 વર્ષ પછી IPL ટ્રોફી જીતના જશ્ન માટે સ્ટેડિયમમાં ભેગા થઈ થયા હતા. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCB ની વિક્ટ્રી પરેડ યોજાવાની હતી, આમાં સામેલ થવા માટે લોકો માટે ત્યાં પહોંચ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ જીતના જશ્નમાં દરમિયાન સ્ટેડિયમની બહાર અને અંદર ભીડ અચાનક બેકાબૂ બની ગઈ, જેના કારણે અફરાતફરી મચી ગઈ. ઘણા લોકો કચડાઈ ગયા અને કેટલાક લોકો ઘાયલ થયા.

કેવી રીતે થયો અકસ્માત ?

હજારોની સંખ્યામાં RCB ફેન્સ પોતાની ટીમનો ચિયર કરવા અને વિનર ખેલાડીઓની એક ઝલક જોવા ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પહોંચ્યા હતા. આ દરમિયાન એક મોટી ભીડ ગટર પર મૂકવામાં આવેલા કામચલાઉ સ્લેબ પર ઉભી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્લેબ લોકોના વજનને સહન કરી શક્યો નહીં અને અચાનક તૂટી ગયો, જેના કારણે ભાગદોડ મચી ગઈ. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે તૂટેલા સ્લેબ સાથે ઘણા લોકો નીચે પડી ગયા અને ભીડમાં કચડાઈ ગયા હતા.