અરબ સાગરમાં વાવાઝોડું 'શક્તિ' (Cyclone Shakti) સક્રિય થયું છે, ત્યારે ભારતીય હવામાન વિભાગ મુજબ, વાવાઝોડું શક્તિ આગામી 6 ઑક્ટોબરથી ગુજરાત તરફ યુ-ટર્ન લે તેવી શક્યતા છે. ગુજરાત પર 'શક્તિ' વાવાઝોડાના સંકટ વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ મુંબઈ અને ગુજરાત સહિતના જિલ્લામાં ઍલર્ટ જાહેર કર્યું છે.
6 જિલ્લામાં યલો ઍલર્ટ
હવામાન વિભાગ મુજબ, 'શક્તિ' વાવાઝોડાની અસરને લઈને આગામી 8-9 ઑક્ટોબરના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. જેમાં 8 ઑક્ટોબરે જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, સુરત, નવસારી, વલસાડ અને 9 ઑક્ટોબરે વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
જ્યારે આગામી 10 ઑક્ટોબર સુધી રાજ્યના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ અને 30-40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
શક્તિ વાવાઝોડાની સ્થિતિમાં ભારે પવનને લઈને હવામાન વિભાગે માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા સખ્ત સૂચના આપવામાં આવી છે.
'શક્તિ' વાવાઝોડું હાલમાં ગુજરાતના દ્વારકાથી 510 કિલોમીટરના અંતરે છે. તે હજુ પણ છેલ્લા 6 કલાકથી 13 કિ.મી. પ્રતિકલાકની ઝડપે જ આગળ વધી રહ્યું છે. જો કે, આ પહેલાં આ વાવાઝોડું મુંબઈ, રાયગઢ, ઢાણેસ સિંધુદુર્ગ, રત્નાગિરી અને પાલઘરમાં ભયાનક તબાહી મચાવી શકે છે. હાલ, વાવાઝોડાના કારણે પોરબંદરના દરિયામાં કરંટ જોવા મળ્યો છે, જેના કારણે તંત્ર દ્વારા 3 નંબરનું સિગ્નલ શરુ કરવામાં આવ્યું છે.
ગુજરાત પર શક્તિ વાવાઝોડાના સંકટ વચ્ચે ફરી ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં ઍલર્ટ.
By Kapil Patel (Bangalore)