એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ઓનલાઈન સટ્ટાબાજી અને ગેમિંગ પ્લેટફોર્મ ‘વનએક્સબેટ’ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ (PMLA) કેસમાં મોટી કાર્યવાહીની તૈયારી શરૂ કરી દીધી છે. ઈડી ટૂંક સમયમાં જ કેટલાક જાણીતા ક્રિકેટરો અને અભિનેતાઓની કરોડો રૂપિયાની સંપત્તિઓ જપ્ત કરવા માટે કામ કરી રહી છે. ઈડીના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ સેલિબ્રિટીઓ દ્વારા ઓનલાઈન બેટિંગ કંપની પાસેથી મેળવેલી ફીનો ઉપયોગ કરીને સંપત્તિઓ ખરીદવામાં આવી છે, જેને મની લોન્ડરિંગ હેઠળ અપરાધની આવક માનવામાં આવી રહી છે.
અનેક સેલિબ્રિટીઓએ ભારત અને વિદેશમાં સંપત્તિઓ ખરીદી
EDની તપાસમાં જાણવા મળ્યું છે કે, અનેક સેલિબ્રિટીએ ફીનો ઉપયોગ કરીને ભારત અને વિદેશ (ખાસ કરીને UAE)માં સ્થાવર અને જંગમ સંપત્તિઓ ખરીદી છે. એજન્સી હાલમાં આ તમામ સંપત્તિઓનું મૂલ્યાંકન કરી રહી છે અને ટૂંક સમયમાં અટેચમેન્ટ કરવા માટે આદેશ આપી શકે છે. પહેલા PMLA સત્તામંડળ પાસેથી મંજૂરી મેળવવામાં આવશે, પછી વિશેષ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરીને સંપત્તિઓને કાયમી ધોરણે જપ્ત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
અગાઉ પણ ક્રિકેટરો-કલાકારો સામે કરાઈ હતી કાર્યવાહી
છેલ્લા કેટલાક સપ્તાહોમાં ઈડી દ્વારા અનેક જાણીતા ખેલાડીઓ અને કલાકારોની પૂછપરછ કરવામાં આવી છે. પૂછપરછ કરાયેલા દિગ્ગજોમાં પૂર્વ ક્રિકેટરો યુવરાજ સિંહ, સુરેશ રૈના, રોબિન ઉથપ્પા, શિખર ધવન, તેમજ અભિનેતા સોનુ સૂદ અને બંગાળી કલાકારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઓનલાઈન ઈન્ફ્લુઅન્સર્સ પણ ઈડીના રડાર પર છે.
અભિનેત્રી રૌતેલાને સમન્સ
ઉલ્લેખનીય છે કે, અભિનેત્રી ઉર્વશી રૌતેલા ભારતમાં વનએક્સબેટની બ્રાન્ડ એમ્બેસેડર હોવાનું કહેવાય છે અને ઈડીએ તેમને પણ પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. જોકે વિદેશ યાત્રાને કારણે તે હજુ સુધી હાજર થઈ શકી નથી. ઈડી આ મામલે વધુ કેટલાક ખેલાડીઓ અને અભિનેતાઓના નિવેદન નોંધવાની તૈયારીમાં છે. સરકારે તાજેતરમાં ઓનલાઈન ગેમિંગ પર પ્રતિબંધ મૂકતો કાયદો બનાવ્યો છે.
ઓનલાઈન સટ્ટાબાજી કેસમાં અનેક ક્રિકેટરો-અભિનેતાઓની મુશ્કેલી વધી, ED મિલકતો જપ્ત કરશે.
By Kapil Patel (Bangalore)