આંદોલનની મોટી ડિંગો હાંકતા એક પણ નેતા આંદોલનકારી યુવકની અંતિમક્રિયામાં ન ફરક્યાં

સાબરકાંઠા જીલ્લાના ઈડર તાલુકાના જીંજવા ગામનો ૪૨ વર્ષિય યુવક સાબરડેરી ખાતે દૂધના ભાવફેર મામલે આવ્યા બાદ પરિસ્થિતિ વધુ વણસતા પોલીસે ટીયર ગેસના શેલ છોડતા જેના કારણે યુવકનું મોત થયાના આક્ષેપો થતા ચકચાર મચી ગઈ હતી.

સમગ્ર મામલે જો વાત કરીએ તો ચકચારી ઘટનાની વિગત આપતાં ઈડરના જિંજવાના મૃતક યુવકના મોટા ભાઈ દેવેન્દ્ર પ્રભુભાઈ ચૌધરીએ જણાવ્યું કે તેમના નાના ભાઈ અશોક ચૌધરી ઉં.વ.(૪૨) સવારે દૂધના ભાવફેર મામલે બધા સાથે હિંમતનગર ખાતે આવેલી સાબરડેરીમાં ગયા હતા અને બપોરે સ્થિતિ વણસ્યા બાદ પોલીસે ટીયર ગેસના શેલ છોડયા હતા તેમાં અશોક ચૌધરીના પગ આગળ ટીયર ગેસનો શેલ પડયો હતો અને શ્વાસ લેવામાં તકલીફ શરૂ થયા બાદ ચક્કર આવતાં નજીકની હોટલમાં લઈ જઈ મોટું

પોવડાવી જ્યુસ પીવડાવી બેસાડયા હતા જેથી થોડો આરામ થતાં તેઓ ઘરે જવા નીકળ્યા હતા તે દરમિયાન ચાર સાડા ચાર વાગ્યાની આસપાસ કાનપુર પહોંચતાં ફરીથી સમસ્યા થતાં સ્થાનિક તબીબને બતાવતાં અશોક ચૌધરીને બીપી લો થઈ ગયાનું અને ઈડર લઈ જવાનું કહેતા ઈડરની ખાનગી હોસ્પિટલમાં લઈ જતાં મૃત જાહેર કરાયા હતા ત્યારબાદ

મૃતક અશોક ચૌધરીના મૃતદેહને પી.એમ માટે ઈડર સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો જ્યાં મૃતકના પરિવારજનો સહિત સમાજના લોકો મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા જ્યાં તમામ હાજર લોકોએ મૃતકના પરિવારજનોને ન્યાય મળે તે માટે યુવક અશોક ચૌધરીના મૃતદેહને સાબરડેરી ખાતે લઈ જવા માટે તૈયારીઓ

કરી હતી જે બાદ હાજર સમાજના લોકોએ લાલપુર(બ) ગામના સાબરડેરીના ડિરેક્ટર અશોક પટેલને બોલાવ્યા હતા અને ડિરેક્ટર અશોક પટેલ અને વાઈસ ચેરમેન ઋતુરાજ પટેલ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા અને સિવિલમાં તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ એકતાબેન પટેલ અને પશુપાલકો સાથે ડિરેકટર અશોક પટેલ અને વાઈસ ચેરમેન ઋતુરાજ પટેલે ચર્ચા કર્યા બાદ ખાતરી આપતા સમગ્ર મામલો હાલપુરતો ચાળે પાડયો હતો જોકે ભાવ વધારાના અને મૃતક અશોક ચૌધરીના મોતને મામલે ઈડર તાલુકાની મોટાભાગની તમામ ડેરીઓ દૂધની કલેક્શન બંધ રાખ્યું હતું. પરંતુ અત્રે ઉલ્લેખનીય છેકે સાબરડેરીના આંદોલનને લઈ મોટી મોટી વાતો કરનારા એક પણ નેતા આ આંદોલનકારી યુવકના મોત બાદ તેની અંતિમ ક્રિયામાં ન જોવા મળતા અનેક તર્ક વિતર્કો સર્જાયા હતા.

ઈશુદાન ગઢવી મૃતકના પરિવારજનોને સાંત્વના આપવા પહોંચ્યા

ઈડરના જિંજવાના મૃતક યુવક અશોક ચૌધરીના મોત બાદ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા ત્યારે આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી મૃતકના ઘરે પહોંચ્યા હતા અને પરિવારને સાંત્વના પાઠવી હતી વધુમાં ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે અમારી સરકારને અપીલ છે કે મૃતક યુવકનો પરિવાર ખુબજ સામાન્ય પરિવાર છે અને ખેતી તેમજ પશુપાલ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે ત્યારે અમારી માંગ છે કે આ પરિવારને સરકાર તેમજ સાબરડેરી એક-એક કરોડ રૂપિયાની સહાય કરે.