અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટની મોટી દુર્ઘટના ટળી છે. અમદાવાદથી દીવ ટેકઓફ કરવાની તૈયારી કરી રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં અચાનક આગ લાગી છે. ફ્લાઈટમાં કુલ 60 પ્રવાસીઓ હતા. આગની જાણ થતાં જ પાયલટે તુરંત એટીસીને ‘મેડે’નો કોલ આપ્યો હતો અને તાત્કાલીક પ્લેનને ટેકઓફ કરતું અટકાવી દીધું હતું. ત્યારબાદ તમામ પ્રવાસીઓને સુરક્ષિત નીચે ઉતારી લેવાયા છે અને ફ્લાઈટ કેન્સલ કરી દેવાઈ છે.

ઈન્ડિગોના પ્રવક્તાએ કહ્યું કે, ‘આજે સવારે 11.00 કલાકે અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની ફ્લાઈટ નંબર ATR76 ટેકઓફ થવાની હતી. જોકે ફ્લાઈટમાં ટેકનીકલ ખામીની જાણ થતાં જ ફ્લાઈટ રદ કરી દેવાઈ છે.’ રિપોર્ટ મુજબ એર ટ્રાફિક કંટ્રોલ (એટીસી) દ્વારા ફ્લાઈટને ક્લિયરન્સ પણ મળી ગયું હતું, ત્યારબાદ ફ્લાઈટે રન-વે પર રોલિંગ શરૂ કરી દીધું હતું. રોલિંગ બાદ પ્લેન ટેકઓફ થઈ જાય છે, જોકે આ દરમિયાન ફ્લાઈટના એન્જિનમાં આગ લાગી હતી. ત્યારબાદ પાયલટે તાત્કાલીક સમયસૂચકતા દાખવી એટીસીને મેડે કોલ આપ્યો હતો અને ફ્લાઈટના અટકાવી દીધી હતી.