રાપરઃ પાકિસ્તાનના ૧૫-૧૬ વર્ષની વયના છોકરો અને છોકરી રણ સરહદ પાર કરીને રાપરના સરહદી રતનપર ગામ સુધી પહોંચી આવ્યા હોવાનો બનાવ બહાર આવ્યો છે. જાગૃત ગ્રામજનોએ બંનેને ખડીર પોલીસના હવાલે કરી દીધા છે. પ્રાથમિક પૂછપરછમાં બંને એકબીજાને પ્રેમ કરતા હોવાનું અને તેમનો પ્રેમ સંબંધ પરિવારજનોને મંજૂર ન હોવાથી બંને એકબીજાના હાથમાં હાથ પરોવીને સરહદ પાર કરી ભારત આવી ચઢ્યા હોવાનું બહાર આવ્યું છે.

૧૬ વર્ષીય કિશોર અને ૧૫ વર્ષીય કિશોરી બંને ભીલ સમાજના છે અને થરપારકર જિલ્લાના ઈસ્લામકોટ તાલુકાના લસરી ગામના વતની હોવાનું તેમજ એકબીજાના પડોશમાં રહેતા હોવાનું બહાર આવ્યું છે.

હાલ ભારત-પાકિસ્તાન વચ્ચેની રણ સરહદે ચોમેર પાણી ભરાયેલું છે. બંનેએ રણનો આવો વિકટ રસ્તો પગપાળા ચાલીને આજે સવારે ખડીર દ્વીપની આંતરરાષ્ટ્રીય સરહદ નજીક આવેલા રતનપર ગામના સીમાડે આવેલા તળાવ પાસે સાંગવારી માતાજીના મંદિર નજીક પહોંચી આવ્યા હતા.

અહીં લાકડાં કાપવાનું કામ કરતા અને ખેતમજૂરી કરતા મજૂરોએ બંનેની પૂછપરછ કરતાં તેઓ પાકિસ્તાની સિંધી બોલતા હતા. જેથી ગામના સરપંચને જાણ કરવામાં આવી હતી. સરપંચે પોલીસને જાણ કરી હતી. ખડીર પોલીસ મથકના ઈન્ચાર્જ પોલીસ સબ ઈન્સ્પેક્ટર વી. એ. ઝાએ બંને સામે જાણવાજોગ નોંધ પાડીને આગળની તપાસ હાથ ધરી છે. તબીબી તપાસ બાદ બંનેને ભુજના જોઈન્ટ ઈન્ટરોગેશન સેન્ટરમાં મોકલવામાં આવશે, જ્યાં વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવશે.