પંચમહાલ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે એક હૃદયદ્રાવક દુર્ઘટના ઘટી છે. અહીં મા કાળીના મંદિરના જીર્ણોદ્ધાર માટે ચાલી રહેલા બાંધકામના કામ માટે ઉપયોગમાં લેવાતો ગુડ્સ રોપ-વે તૂટી પડતા 6 લોકોનાં કરુણ મોત થયા છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

મળતી માહિતી મુજબ, આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોમાં 2 લિફ્ટ ઓપરેટર, 2 શ્રમિકો અને અન્ય 2 વ્યક્તિઓનો સમાવેશ થાય છે. આ ગુડ્સ રોપ-વે નો ઉપયોગ પાવાગઢના માંચીથી નિજ મંદિર સુધી બાંધકામની સામગ્રી લઈ જવા માટે થઈ રહ્યો હતો.

આ ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે અને આ દુર્ઘટના પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.