નવી દિલ્હી: પ્રશાંત મહાસાગરમાં ઉદભવેલા મહાવિકરાળ તોફાન રગાસાએ ભયંકર હાહાકાર મચાવી દીધો છે. તોફાન એટલું ઘાતક છે કે હાઈએલર્ટ જાહેર કરી દેવાયું છે. સુપર ટાઈફૂન રગાસાની સંભવિત ગતિ 268 કિમી પ્રતિ કલાક કહેવાઈ રહી છે. એટલું જ નહીં ઝટકાના પવનની ગતિ 324 કિમી પ્રતિ કલાક થઈ શકે છે.
આ તોફાનના કારણે 5 દેશ થાઇલેન્ડ, ફિલિપાઇન્સ, ચીન, તાઇવાન અને હોંગકોંગમાં એલર્ટ જાહેર કરાયું છે. ફ્લાઇટ્સ અને શાળા-કોલેજો બંધ કરી દેવાયા છે અને દરિયાકાંઠે આવેલા વિસ્તારોમાં જરૂર પડે ત્યાં સ્થળાંતર કરાવાઈ રહ્યું છે. 18 સપ્ટેમ્બરે સક્રિય થયેલું આ તોફાન સુપર ટાઈફૂન બની ગયું છે. આ મહાકાય તોફાન ફિલિપાઈન્સના ઉત્તર લુઝોનના કાગયાન અને અપરરીના દરિયાકાંઠે ટકરાયું ત્યારે ભયંકર તબાહી મચાવી હતી. ભયંકર તોફાની પવન વચ્ચે ભારે વરસાદનું તાંડવ જોવા મળ્યું છે. કેટલાક સ્થળોએ ભૂસ્ખલન થયાના પણ દાવા છે. હવામાનને ધ્યાનમાં રાખીને લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવું પડ્યું છે. ન્યૂઝ ટ્વેન્ટી ફોરના દાવા પ્રમાણે આ તોફાનની ચપેટમાં આવવાથી 5 લોકોના મોત થયા છે અને 50 હજારથી વધુ લોકો બેઘર થયા છે. ખેતી પાકને 500 મિલિયન ડોલરનું નુકસાન થયાનો દાવો છે.
અનુમાન પ્રમાણે આ તોફાન દક્ષિણ ચીન સાગરમાં પ્રવેશ કર્યા બાદ હોંગકોંગ-થાઇલેન્ડ થઈને આગળ વધશે. હજુ પણ આ તોફાન આગામી બે દિવસ સુધી તરખાટ મચાવી શકે છે. ફિલિપાઇન્સ, હોંગકોંગ અને તાઇવાનના જોઇન્ટ ટાઇફૂન વોર્નિંગ સેન્ટરે 5 દિવસનું હવામાન બુલેટિન જારી કર્યું છે, જે અનુસાર 21 સપ્ટેમ્બરે તોફાન તાઇવાન તરફ આગળ વધ્યું છે, અને તેની અસર 22 સપ્ટેમ્બર સુધી દેખાશે. આથી, તાઇવાનની CWA એજન્સીએ ચેતવણી જારી કરી છે કે તોફાન બાશી ચેનલ નજીક મજબૂત થશે. ચેતવણીને ધ્યાનમાં રાખીને, તાઇવાન સરકારે ફ્લાઇટ્સ રદ કરી છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પૂરની ચેતવણી જારી કરી છે.
24 સપ્ટેમ્બરની સવાર સુધીમાં તોફાન હોંગકોંગની નજીક હશે, અને દરિયાકાંઠે ટકરાવાની સાથે 210 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેનાથી પૂરનું જોખમ છે. 23-24 સપ્ટેમ્બરે તોફાન દક્ષિણ ચીન સાગરમાં પ્રવેશીને ગ્વાંગડોંગના દરિયાકાંઠે લેન્ડફોલ કરી શકે છે. આ ઉપરાંત, વિયેતનામમાં તોફાની પવનો અને ભારે વરસાદની આગાહી છે. તોફાનની અસરથી વીજળી ખોરવાઈ છે અને ફ્લાઇટ્સ તેમજ બોટસેવાઓ બંધ કરાઈ છે.
જોઇન્ટ ટાઇફૂન વોર્નિંગ સેન્ટર અને હોંગકોંગ ઓબ્ઝર્વેટરી અનુસાર, સુપર ટાઇફૂન રગાસાની અસર પૂર્વ એશિયાના દેશો પર પડશે. આ તોફાન ભારતથી અંદાજે 5 હજાર કિલોમીટર દૂર છે. આથી તેની સીધી અસર થવાની સંભાવના નહીંવત છે. જોકે, હવામાન નિષ્ણાત અથ્રેયા શેટ્ટીએ બે દિવસ પહેલાં પોતાના અનુમાનમાં દાવો કર્યો હતો કે રગાસાના અવશેષો બંગાળની ખાડીમાં પહોંચશે. જેના કારણે બંગાળની ખાડીમાં બનનારી સંભવિત સિસ્ટમને તાકાત મળી શકે છે. જો આવું થાય અને બંગાળની ખાડીમાં બનનારી સિસ્ટમની દિશા ગુજરાત તરફ રહે તો ગુજરાતમાં આગામી દિવસોમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. જોકે, આ અંગે હવામાન વિભાગ દ્વારા વખતોવખત જાહેર કરવામાં આવતા અનુમાનને અનુસરવું હિતાવહ છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક)
મહાવિકરાળ વાવાઝોડું રગાસા: પવનની ગતિ 324 કિમી પ્રતિ કલાક!
By Kapil Patel (Bangalore)