રાજકોટ: શહેર સાઇબર ક્રાઇમ પોલીસ દ્વારા શેરબજારમાં રોકાણ કરવાના બહાને 59 વર્ષીય દિનેશકુમાર નિનામા નામના નિવૃત્ત ડેપ્યુટી કલેક્ટર સાથે 64 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવાના ગુનામાં મધ્યપ્રદેશના નિમચ જિલ્લાના વતની 39 વર્ષીય જીતેન્દ્ર ઉર્ફે મનુ શર્મા નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ આ કેસમાં રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ચાર જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. આમ, કુલ પાંચ વ્યક્તિઓની અત્યાર સુધી ધરપકડ કરવામાં આવી છે.

રાજકોટ જામનગર હાઇવે ઉપર આવેલા બજરંગવાડી શેરી નંબર 11 માં રહેતા દિનેશકુમાર નીનામા નામના નિવૃત્ત ડેપ્યુટી કલેક્ટર દ્વારા પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, 6 જાન્યુઆરી 2025 ના રોજ મને મારા વોટ્સએપ નંબર પર અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો. તેમજ શેર માર્કેટમાં રોકાણ કરી પ્રોફિટ કમાવા માટેની વાતચીત કરતા મને રસ પડ્યો હતો. ત્યારબાદ ફોર્મ ફિલપ કરતા મને experience exchange group નામના વોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવેલો હતો. ત્યારબાદ મને પ્લે સ્ટોર પરથી 5max PRO નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવવામાં આવી હતી. તેમજ એપ્લિકેશન ઓપરેટ કરવા માટે મને આઇડી પાસવર્ડ પણ જનરેટ કરીને આપ્યા હતા. દરમિયાન મને એક બેન્ક એકાઉન્ટ નંબર આપવામાં આવ્યા હતા જેમાં મેં 50000 રૂપિયા ટ્રાન્સફર કરતા મને તે રકમ વોલેટમાં બતાવતી હતી. દરમિયાન સામેવાળાઓ દ્વારા મને આઇપીઓ ખરીદવાની ઓફર કરવામાં આવી હતી. તેમજ તે સમયે quadrant future tek ltd નો આઇપીઓ શરૂ હતો જેથી ઉપરોક્ત આઇપીઓ મેં ખરીદ કર્યો હતો. જેના 15,000 શેર મને લાગ્યા હતા તેઓ મારા વોલેટમાં બતાવતા હતા. જે પેટે 18 લાખ રૂપિયાની સામા વાળાઓએ મારી પાસેથી માંગણી કરેલી હતી. મેં 15 લાખ રૂપિયા જમા કર્યા હતા.

ત્યારબાદ કાબરા જવેલર્સ કંપનીનો આઇપીઓ લેવા માટે સૂચન કર્યુ હતુ. જેથી મેં એપ્લાય કરતાં મને ચાર લાખ શેર અલોટ થયેલા જેનું પેમેન્ટ એક કરોડ 64 લાખ થતું હોવાનું મને જણાવવામાં આવ્યું હતું. જેથી મેં સામા વાળાઓને કહ્યું હતું કે, આટલી રકમ જમા કરાવી મારા ક્ષમતાની બહાર છે. જેથી સામા વાળાઓએ કહ્યું હતું કે, તમારા પોર્ટફોલીઓમાં જે પ્રોફિટ બતાવે છે તે બાદ કરીને તમારે 82 લાખ રૂપિયા જેટલી રકમ ભરવાની થશે. ત્યારબાદ મેં 82 લાખ રૂપિયા પણ ભરવાની ના પાડતા તેમણે મને ઓફર જણાવી હતી. ઓફરમાં મને જણાવવામાં આવ્યું હતું કે, અમારી ઇન્સ્ટિટ્યૂટ તમને લોન આપશે તમે આ રકમ તમે પછીથી ભરી શકશો જેથી હું સહમત થયો હતો.

થોડા સમય બાદ મને જણાવવામાં આવ્યું હતું કે, આઇપીઓ શેરબજારમાં લીસ્ટ થયેલ તમામ સ્ટોકનો ટ્રેડ કરતા તમારા વોલેટમાં 10 કરોડ રૂપિયાનો પ્રોફિટ બતાવે છે. તેમજ જો તમારે આ રકમ ઉપાડવી હોય તો તેના માટે તમારે 82 લાખ રૂપિયાની લોન ભરપાઈ કરવી પડશે. ત્યારબાદ હું તેમની વાતમાં આવી જતા મેં મારી તમામ સેવિંગ, એસઆઈપી તેમજ વીમાઓ ભેગા કરીને કટકે કટકે 49 લાખ રૂપિયા સામા વાળાઓના અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. જે રકમ જમા કરાવ્યા બાદ પણ વધુ રકમ જમા કરાવવાનું કહેતા તેમજ શેરબજારમાં રોકાણ કરેલ પ્રોફિટ સાથેના નાણા વીડ્રો ન થતા અમને શંકા ગઈ હતી. તેમજ જાણવા મળ્યું હતું કે અમારી સાથે સાઇબર ફ્રોડ થયો છે.

ઇન્વેસ્ટીગેશન ઓફિસર પી. આર . ડોબરીયા દ્વારા ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જાણવામાં આવ્યું હતું કે, નિવૃત્ત ડેપ્યુટી કલેક્ટર સાથે જે 64 લાખનો ફ્રોડ થયો હતો. તે પૈકી એક એકાઉન્ટ જીતેન્દ્રનું હતું. જેમાં કુલ 15 લાખ રૂપિયા જમા થયા હતા. તેમજ જીતેન્દ્રનું એકાઉન્ટ લેયર વનમાં આવે છે. જેનો સીધો મતલબ થાય છે કે, ફ્રોડ આચરનારા વ્યક્તિઓ દ્વારા જીતેન્દ્રના એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જીતેન્દ્રને એકાઉન્ટનો ઉપયોગ કરવા દેવા બદલ કમિશન પણ મળ્યું હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. તેમજ જીતેન્દ્રના એકાઉન્ટ બાબતે સમન્વય પોર્ટલમાં તપાસ હાથ ધરતા અલગ અલગ રાજ્યોમાં કુલ આઠ જેટલી એનસીઆરપી કમ્પ્લેઈન નોંધાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે આરોપીને સોમવારના રોજ ગુનાના કામે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તેમજ હજુ પણ ગુનાના કામે બે એકાઉન્ટ હોલ્ડર તેમજ અન્ય માસ્ટરમાઈન્ડને શોધવા માટે સાયબર ક્રાઈમની ટીમ દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

Main source NEWS18