ખાનગી હોસ્પિટલો દર્દીઓનો ઉપયોગ એટીએમની જેમ કરે છે. અલ્લાહાબાદ હાઈકોર્ટે ગુરુવારે એક કેસની સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી હતી. હાઈકોર્ટે બેદરકારીના કેસમાં ડોક્ટર સામે ફોજદારી કેસ રદ કરવાની માંગને ફગાવતા આ નિવેદન આપ્યું હતું.
જસ્ટિસ પ્રશાંત કુમારની બેન્ચે નોંધ્યું હતું કે ડો. અશોક કુમારે પોતાની પાસે એનેસ્થિટિસ્ટ ન હોવા છતાં એક ગર્ભવતી મહિલાને સર્જરી માટે દાખલ કરી હતી. એનેસ્થિટિસ્ટ મોડેથી પહોંચતાં ગર્ભમાં રહેલું બાળક મોતને ભેટ્યું હતું.
હાઈકોર્ટે કહ્યું કે, હવે સામાન્ય બની ગયું છે કે હોસ્પિટલો પહેલા દર્દીઓને દાખલ કરે છે અને પછી સંબંધિત ડોક્ટરને જે-તે સર્જરી માટે બોલાવે છે. તેમાં ઘણી હોસ્પિટલો ડોક્ટર હાજર ન હોવા છતાં દર્દીને દાખલ કરે છે. દાખલ કરી બિલ વસૂલ્યા કરે છે. ખાનગી હોસ્પિટલો દર્દીઓનો ઉપયોગ એટીએમની જેમ કરી રહી છે, જેમાંથી પૈસા મેળવી રહી છે.
હાઈકોર્ટે કહ્યું કે, એવા લોકો સામે કાર્યવાહી જરૂરી છે જે પર્યાપ્ત સુવિધાઓ વિના હોસ્પિટલ શરૂ કરે છે. તેઓ ફક્ત દર્દીઓ પાસેથી પોતાની મનમાની ચલાવી પૈસા કમાવવા જ હોસ્પિટલ શરૂ કરે છે. સુનાવણી દરમિયાન, કોર્ટે ડોક્ટરના દાવાને ફગાવી દીધો કે મહિલાનો પરિવાર તે સમયે ઓપરેશન માટે તૈયાર નહોતો. બેન્ચે કહ્યું કે આ સંપૂર્ણ બેદરકારી અને ગેરકાયદેસર કમાણીનો કેસ છે. ડોક્ટરે મહિલાને દાખલ કરી હતી. પરિવારે ઓપરેશન કરવાની પરવાનગી આપી હતી, પરંતુ સર્જરી માટે ડૉક્ટર ઉપલબ્ધ ન હોવાથી તે ઓપરેશનમાં વિલંબ કરી રહ્યા હતાં.
બેન્ચે કહ્યું કે ડોક્ટરે 12 વાગ્યે ઓપરેશન માટે પરવાનગી લીધી હતી. પણ હોસ્પિટલમાં કોઈ ડૉક્ટર ન હોવાથી સર્જરી થઈ શકી નહીં. ડોક્ટરના હિતોનું ત્યારે જ સંરક્ષણ કરવુ જોઈએ, જ્યારે તે પૂરા દિલથી કામ કરી રહ્યો હોય. તેમ છતાં, જો કોઈ ભૂલ હોય, તો તેને માનવીય પરિબળ ગણીને અવગણી શકાય છે. પરંતુ આવા બેદરકારીના કિસ્સાઓમાં આ વાત સ્વીકાર્ય નથી.
દર્દીઓને ATM સમજી બેઠા છે હોસ્પિટલ, બસ દાખલ કરવાથી મતલબ... અલ્લાહાબાદ હાઈકોર્ટ લાલઘૂમ
By Himanshu Ramani (Idar)
Kapil Patel